પરચા - ૨૩

સંવત ૧૯૬૨ની સાલમાં દેવદિવાળીના સમૈયે બાપાશ્રી કચ્છનો સંઘ લઈને અમદાવાદ પધાર્યા હતા. ત્યાંથી જેતલપુર થઈને ડભાણ જતાં નવાગામમાં ડાહ્યાભાઈને રાત્રિએ અઢી વાગે દર્શન આપ્યાં. ત્યારે ડાહ્યાભાઈ પગે લાગ્યા ને બોલ્યા જે, બાપા ! સ્વામી ઈશ્વરચરણદાસજી ક્યાં ? એમ સ્વામીશ્રીનાં દર્શનની તેમની ઇચ્છા જાણી, બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનાં દર્શન કરાવ્યાં. પછી ડભાણ થઈ વરતાલ ગયા ને વાડીમાં ઉતારો કર્યો. ત્યાં કાણોતરના બાપુભાઈએ આખી રાત પ્રદક્ષિણાઓ ફરીને ચોકી ભરી. તેમને સવારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, વર માગો, જે માગો તે આપીએ. પછી તેમણે કહ્યું જે, આ સંઘ લઈને કાણોતર પધારો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સંઘ લઈને અમે તમારે ગામ બે મહિને આવીશું. પછી બે દિવસ રહીને બાપાશ્રી આદિક સર્વ નીકળ્યા, તે સ્પેશિયલ ગાડીમાં બેસીને અમદાવાદ આવતાં નડિયાદના સ્ટેશને એક મુસલમાનના છોકરાને બાપાશ્રીએ દિવ્ય દર્શન આપ્યાં. તેથી તે છોકરો ટોપી ઉતારીને પગે લાગ્યો ને બોલ્યો જે, મેરા અચ્છા કરીઓ, હમ તમારા ગુલામ હય; એમ વંદના કરવા મંડ્યો. એની પાસે બ્રાહ્મણનો એક છોકરો ઊભો હતો. તેને કહ્યું જે, અબે બમન, ક્યા દેખ રહેતા હે. પાઉં મેં શિર ધર દે, તેરા અચ્છા હો જાયગા; પણ તે છોકરો નમ્યો નહીં. પછી તેને કહ્યું જે, અબે બમન, નમતા નહિ હે, ક્યા બમન હુઆ હય ? એમ લડવા મંડ્યો. પછી રેલ ઊપડી તે સર્વે અમદાવાદ આવ્યા ને ત્યાંથી કચ્છમાં પધાર્યા. પછી બે મહિને કાણોતરમાં બાપુભાઈને સંઘે સહિત દર્શન આપીને તેડી ગયા. ।। ૨૩ ।।