SMVS































































































































































































































































































વાર્તા ૧૨૪

કારતક વદ ૮ને રોજ સભામાં બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, મુનિ સ્વામી ! કથા ચલાવો ને અમૃતરસ વરસાવો એટલે મૂર્તિના સુખની વાતો કરો. એમ કહી તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, આ મંદિર, આ સભા ને આવી વાતો જે સંભારે તે તરત મૂર્તિના સુખમાં પહોંચે. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે પુરાણીને પાસે બેસારીને બાપાશ્રીએ કહ્યું જે, આપણે આ મેડીનું કામ પૂરું થાય એટલે મોટો યજ્ઞ કરવો છે. અમોએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ મંડળને કહ્યું છે જે, અમો યજ્ઞ કરશું તે ટાણે તમે સૌ આવી પહોંચજો. આ અમારો છેલ્લો યજ્ઞ છે તેથી સંત-હરિભક્ત સર્વેને તેડાવીને સુખિયા કરવા છે.

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, બાપા ! આપે સદ્‌ગુરુઓને રજા આપી ત્યારે કેટલાંક મર્મવચનો કહ્યાં હતાં, ને વળી આજ છેલ્લો યજ્ઞ કરીશું એમ કહો છો તેથી આપની કેવી મરજી છે તે કાંઈ સમજણ પડતી નથી. ત્યારે બાપાશ્રી કહે, પુરાણી ! છેલ્લો યજ્ઞ એટલે છેલ્લી સ્થિતિ અનાદિની કરવાનો બ્રહ્મયજ્ઞ. તેમાં તમામ હેતવાળા સંત-હરિભક્તોને તેડાવીને મૂર્તિના સુખની વાતો કરશું. સૌને મૂર્તિના સુખમાં રહેવાની છેલ્લી પ્રાપ્તિ કરાવશું, ઘેર ઘેર જઈશું, ઉતારે ઉતારે ફરશું, સૌને દિવ્ય ભોજન જમાડશું. સભામાં બેઠાં હઈશું અને જે સંભારશે તેના મનોરથ પૂરા કરશું, એમ સૌને રાજી કરવા છે. આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.

તે વખતે વાલજી લાલજી દર્શને આવ્યા ને કહ્યું જે, બાપા ! આપને માંદાઈ બહુ ગઈ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમને કોણ માંદા કરે એવું છે. તે વખતે જાદવજી કડિયા પાસે ઊભા હતા, તેના સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, આ માંદો જણાય છે. ત્યારે જાદવજીભાઈ કહે જે, બાપા ! હું માંદો નથી, હું તો કડિયા કામે જાઉં છું. મને ખબર પડતી નથી જે હું કેમ માંદો ? ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, મહારાજના અનાદિમુક્ત દયા કરી જીવોને મૂર્તિને સુખે સુખિયા કરવા દૃષ્ટિગોચર વર્તતા હોય, તેમને ન જાણીને તેમને વિષે મનુષ્યભાવ પરઠે તે મંદવાડ. ત્યારે તે જાદવજીભાઈ કહે, બાપા ! આપને વિષે મને ક્યારેય મનુષ્યભાવ આવ્યો જણાતો નથી, તોપણ જાણે-અજાણે કોઈ વખત મન, કર્મ, વચને સંકલ્પ થઈ ગયો હોય તો દયા કરી માફ કરો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે તો બધાંયના મંદવાડ ટાળીને શુદ્ધ અનાદિ કૈવલ્ય મુક્ત કરીને એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને મૂર્તિને સુખે સુખિયા કરવા આવ્યા છીએ; એમ તમે સમજો એટલે સાજા. પછી તે બોલ્યા જે, બાપા ! હવે હું આજથી એમ જ સમજીશ. તે વખતે બાપાશ્રીએ રાજી થઈને તેના માથા પર હાથ મૂકી પ્રસન્નતા જણાવી. ।। ૧૨૪ ।।