વાર્તા ૭૮
બપોરે મેડા ઉપર આસને બાપાશ્રી દયા કરીને વાત કરવા લાગ્યા જે, જ્યારે મહારાજ અને મોટા મુક્ત મનુષ્ય રૂપે દેખાતા હોય ત્યારે તેમનામાં મનુષ્ય જેવા બધા સ્વભાવ જણાય. તેમાં પણ ક્યારેક અજ્ઞાનીપણું જણાવે, ક્યારેક કાયરપણું જણાવે, ક્યારેક પરતંત્રપણું જણાવે, ક્યારેક રોગીપણું જણાવે; તેથી વિમુખને મોહ થાય છે ને હરિભક્ત તો ચરિત્ર જાણીને આનંદ પામે છે. પછી બોલ્યા જે, આપણે સત્સંગમાં દિવ્યભાવ રાખવો. કોઈ અવળું વર્તતું હોય તો તેને સમજાવવું. તે જો માને તો ભલે, નહિ તો તેને હાથ જોડીને છેટે રહેવું. પણ વચ્ચે શેરડા પાડવા નહીં. એકસરખું રહેવું.
પછી કાળીદાસભાઈએ પૂછ્યું જે, બાપા ! ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહિમાની કસર છે; તેથી એમ થાય છે. આ જીવને ખાવા-પીવાનું સર્વે સાનુકૂળ હોય તોય ભગવાન ભજી ન શકે. એ તો અજ્ઞાન જ કહેવાય. કેટલાક મોટા મુક્તની પાસે હોય ત્યાં સુધી ઠીક રહે, પણ ઘેર જાય એટલે એવા ને એવા થઈ જાય. તે જો મહારાજને અને મોટાને અંતર્યામી જાણે ને મહારાજની અને મોટાની બીક રાખે તો સારું રહે. મોટા મુક્તના શબ્દ સર્વે નિશાન ઉપર જ હોય. નિશાન તે શું ? તો શ્રીજીમહારાજની મૂર્તિ, તે મૂર્તિ વિના એકે શબ્દ એમના હોય નહીં. મહારાજ તથા મોટાને વિષે ભૂંડો ઘાટ થાય, અગર સ્ત્રી આદિકના ભૂંડા ઘાટ થાય તે વખતે મહારાજને અને મોટાને પ્રાર્થના કરવી તો આપણું ભક્તિરૂપ ધન, જે જે રળીએ તે પૂરેપૂરું ખજીને પડતું જાય અને આ કહ્યું તેમ ન થાય તો પૂરેપૂરું ખજીને ન પડે, માટે મહારાજને તથા મોટાને નિરંતર સંભારવા, તેમનો જોગ સદાય રાખવો. તે તો જેમ વાછરડું તેની માને સામું ધાવે ને જેવું બળિયું થાય અને વૃદ્ધિને પામે તેવું છે, એમ જાણવું. મોટા મુક્ત તો જીવને સંકલ્પમાત્રે સુખિયો કરી મૂકે છે પણ તેની જીવને ખબર પડતી નથી. જેમ આ લોકમાં કોઈ મોટા વાંકમાં આવ્યો હોય, ત્યારે તેને ફાંસીનો હુકમ થાય છે, તે વખતે તેનાં સગાં રાજા પાસે જઈને શોર-બકોર કરે અને બોલ બોલ કરે તો તેની વાત કોઈ ધ્યાનમાં લે નહિ અને એ ગુનાથી છૂટે પણ નહીં. તે વખતે જો મોટા બારિસ્ટર એક જ સવાલ કરે તો તે સવાલને ધ્યાનમાં લઈને રાજાને તેને છોડી મેલવો પડે. તેમ મોટા મુક્ત છે તે જીવને સંકલ્પમાત્રમાં છોડાવે છે. પણ તે વિના બીજાં ગમે તેટલાં સાધન કરે, બીજાની સહાયતા મેળવે, પણ તે જીવ માયાના પાશલાથી મોટાના શરણે થયા વિના છૂટે નહીં. એવા મોટા અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન થકા જેમ રહ્યા છે તેમ ને તેમ જ સદાય છે અને બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, અંતર્યામીપણે કોઈને વાત કરે છે, ઐશ્વર્ય દેખાડે છે, કોઈને અંતર્યામીપણું જણાવે છે; એ સર્વે ક્રિયા કરતાં દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઇચ્છાથી થાય છે, એમ જાણી દિવ્યભાવ રાખવો.
પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! મહારાજનાં ચરિત્રને વિષે સંશય કરવો નહિ એમ કહ્યું છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં ? અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે જે જે મનુષ્યચરિત્ર કર્યાં હોય તેનું વર્ણન થતું હોય તે સાંભળીને તેને વિષે દિવ્યભાવ લાવવો પણ દોષ ન પરઠવો અને અત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન પોતે જ છે, એમ માનવું. અને મૂર્તિનાં ઘરેણાં, વસ્ત્ર વગેરે કોઈ લઈ જાય તોય તેમાં અવગુણ ન લે જે, મૂર્તિ ધાતુ, કાષ્ઠ-પાષાણાદિકની છે એવો ભાવ ન લાવે અને એમ ન થાય જે, પોતે પ્રત્યક્ષ બિરાજતા હોય તો ચોરને કેમ લેવા દે ? એમ નાસ્તિકભાવ ન આવે. વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે, તોય અવગુણ ન આવે, ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે ! અને કેમ દુઃખ ન ટાળે ! પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય, એમ અત્યારે જાણવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે, ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય ? એવાં મનુષ્યચરિત્ર પ્રાકૃત જેવાં લાગે તેને વિષે પણ દિવ્યભાવ રાખવો ને એમ સમજવું જે, સર્વ કર્તા-હર્તા મહારાજ છે, તે તેમની મરજી હશે તેમ કરતા હશે અને જે કરતા હશે તે સારું જ કરતા હશે, એમ રહે તે અત્યારનાં ચરિત્ર કહેવાય. તેને વિષે દોષ પરઠ્યો ન કહેવાય. જે ચમત્કાર-ઐશ્વર્ય જોઈને મહારાજનો અને મોટાનો નિશ્ચય કરે છે તે કરતાં જેને વિશ્વાસે કરીને નિશ્ચય થાય છે તે શ્રેષ્ઠ છે. પછી એમ બોલ્યા જે, આપણા ઉપર કોઈ દ્વેષ રાખતા હોય પણ તેને જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહીં. આપણાથી બને તેટલું તેનું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે. ।। ૭૮ ।।