વાર્તા ૨૮
આસો સુદ ૧૦ના રોજ સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે નારાયણપુરથી ધનજીભાઈના દીકરા લાલજી તથા હરજી આવ્યા તેમને કહ્યું જે, તમે હમણાં કેમ દેખાતા નથી ? અમારાથી બીઓ છો કે શું ? માયા ભેળી કરો છો તે ભેળી ખણી જાવી છે ? ત્યારે તે કહે, ના બાપા ! એ ભેળી આવે એવી તો નથી, પણ એણે રોકી રાખ્યા છે. પછી બાપાશ્રી બોલ્યા જે, “તૃષ્ણા તું બડી નકટી, સબ લોકન કી લાજ લેત.” તૃષ્ણા મૂક્યા વિના છૂટકો નથી. આ નહિ મળે પછી ક્યારે જોગ કરશો ? આ કરી લો, કરી લો, કરી લો. એમ કહી જમવા પધાર્યા. પછી બપોરના બાપાશ્રી મંદિરની ઓસરીમાં પોઢ્યા હતા, તે સૂતા સૂતા બોલ્યા જે, આ આકાશમાં વાદળી છે, એટલી વાદળી જોઈને મહારાજે ગઢડામાં કહ્યું હતું જે, આ વાદળી પછેડી જેટલી છે તેમાંથી આપણે પાણી લેવું છે. પછી વાદળી તૂટી પડી, તેથી ઘેલામાં પૂર આવ્યું. તેને પાછું હઠાવવા સારુ દાદાખાચર પાસે મહારાજે નદીને વધાવી. તેથી સાજા ગઢડાને વીંટો દીધો એટલું પાણી હતું તે તુરત જ હડેડાટ કરતું પાછું વળી ગયું. પછી મહારાજ કહે જે, અહોહો ! દાદાખાચરનું કેવું પરિબળ ! એમ પ્રશંસા કરી. કામ તો પોતે જ કર્યું હતું, પણ દાદાખાચરને જશ આપ્યો. એવા મહારાજ છે. તે આજ પણ એમ જ કરે છે. તે વખતે પ્રસન્નતા જણાવી સર્વેને મળ્યા. પછી બોલ્યા જે, આવો આવો, સંતો ! બેસો. તમે આજ સભામાં બપોરે પ્રશ્ન પૂછ્યો હતો તે ટાણે ઉત્તર થાય તેમ નહોતું, માટે અહીં પૂછો તો ઉત્તર કરીએ. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, જ્યારે મોટાએ વર્તમાન ધરાવ્યા, ત્યારે તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ અર્પણ કરાવ્યાં. પછી એ ચૈતન્યને રહેવાનું ક્યાં રહ્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ એ ચૈતન્યને પોતાની મૂર્તિને વિષે રાખે છે. એમ કહીને બોલ્યા જે, તમે સર્વે શ્રીજીમહારાજના સંકલ્પ છો, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બધાય મહારાજના સંકલ્પ હોય તો માંડવીમાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીથી કેમ ન થયા ને શ્રીજીમહારાજે કેમ કર્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો મહારાજની ઇચ્છા પ્રમાણે જે સંકલ્પ દ્વારે જેટલું જણાવવું હોય તેટલું જણાવે છે એમ કહી સર્વેને મળ્યા.
પછી છેલ્લા પ્રકરણનું ૩૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં કીડામાંથી કીડો, માણસમાંથી માણસ અને પશુમાંથી પશુ થાય છે તે સર્વેના કર્તા એક જ ભગવાન છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હવે બ્રહ્માનું કર્તવ્ય ક્યાં રહ્યું ? સર્વ કર્તા-હર્તા એક શ્રીજીમહારાજ જ રહ્યા, પણ બીજો કોઈ કર્તા નથી. ।। ૨૮ ।।