વાર્તા ૧૧૩
કારતક સુદ ૮ને રોજ સવારે બાપાશ્રી નાહી, પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કરી ઘેર ગયા; થોડી વાર પછી સભામાં પધાર્યા. પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ અમદાવાદનું ૭મું વચનામૃત વાંચ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં તો મહારાજ કહે છે કે,“સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા હું જ છું તથા અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને મારે પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે તથા સૂર્ય, ચંદ્ર, તારા આદિ મારે તેજે તેજાયમાન છે તથા અનંતકોટિ બ્રહ્માંડનો આધાર ને સર્વનો કારણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહીં. એવો સર્વોપરી હું તે મારે વિષે આમ સમજીને નિશ્ચય કરે તો તે નિશ્ચય ડગે નહીં.” આમાં તો શ્રીજીમહારાજ સર્વના કારણ થયા. તોપણ જેને આવો મહિમા સમજાતો નથી તે બીજા અવતારનું તથા સર્વોપરી પુરુષોત્તમનારાયણનું ભેળું ને ભેળું વર્ણન કરે છે. પણ ક્યાં મહારાજ ને ક્યાં અવતાર ! શ્રીજીમહારાજની કોઈ જોડ નથી. એમના જેવા તો એ એક જ છે. “આ મૂર્તિ સૌથી નોખી આચરજકારી છે” તથા “જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી” એવી એ કારણ મૂર્તિ છે. મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય. એટલા માટે શ્રીજીમહારાજ કહે છે કે, શ્વેતદ્વીપ તથા ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમ આદિ ધામોની સભા કરતા આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા કહેતાં હોઈએ તો આ સંત સભાના સમ છે. આવી રીતે મહારાજે સમ ખાધા છે તોય કેટલાક નવા આદરવાળા અવતાર-અવતારીની વાત સમજી શકતા નથી અને મોટા મુક્ત દયા કરી સમજાવે છે તે સમજતા નથી, પણ જો આ અમદાવાદનું ૭મું વચનામૃત વાંચી મનન કરે તો સમજાય તેવું છે.
પછી સોની મગનભાઈએ પૂછ્યું જે, બાપા ! આપણા દેશમાં ૨૭૩ વચનામૃત છે અને વરતાલ દેશની પ્રતમાં ૨૬૨ છે, તે ૧૧ વચનામૃત એ દેશની પ્રતમાં ઓછાં કેમ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પહેલાં ૨૬૨ વચનામૃત હતાં તે જ્યારે સભામાં વંચાવા માંડ્યાં; ત્યારે અમદાવાદના કુબેરસિંહ છડીદારે ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, મહારાજ ! આ શું વંચાય છે ? ત્યારે તેમણે કહ્યું જે, શ્રીજીમહારાજે જે જે ગામમાં વાર્તાઓ કરેલી તે મોટા સદ્ગુરુઓએ લખી હતી. તે બધી ભેગી કરીને શ્રીજીમહારાજનાં વચનામૃત લખાયાં છે, તે વંચાય છે. ત્યારે કુબેરસિંહજી છડીદારે કહ્યું જે, અહીં શ્રીજીમહારાજે જે જે વાતો કરેલી તથા તે વખતે જે જે પ્રશ્નો મેં પૂછ્યા હતા તેના મહારાજે પ્રસન્ન થઈને ઉત્તર કરેલા, તે વાતો મેં પણ લખી રાખી છે. પછી જેતલપુરના આશજીભાઈએ પણ એમ જ કહ્યું જે, મહારાજે જેતલપુરમાં તથા અસલાલીમાં વાતો કરેલી તે મારા પાસે લખેલી છે. પછી તે બંનેને આચાર્યજી મહારાજે કહ્યું જે, તમે તે વાતો અમારી પાસે લાવો. પછી તરત જ તેમણે લખેલી વાતોના ખરડા મહારાજશ્રીને આપ્યા. તેમાં ચમત્કારી પ્રશ્નોત્તર જોઈ ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા મોટા સંતો રાજી થયા ને કહ્યું જે, તમે આ વાતો લખી તે બહુ સારું કર્યું. પછી તેમાંથી એ સંતો પાસે વાતો એકંદર કરાવી તેનાં ૧૧ વચનામૃત થયાં. પછી ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ વરતાલ મંદિરમાં પત્ર લખ્યો ને કહેવરાવ્યું જે, આપણે વચનામૃતો તૈયાર કર્યાં છે તે ઉપરાંત અમને અહીંથી આ રીતે ૧૧ વચનામૃતો થયાં તેટલા ખરડાઓ મળ્યા છે, તેમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણાનું વર્ણન સારું છે, તેથી તમો એ વચનામૃત ૧૧ લખી લો ને તેમાં કાંઈ ફેરફાર ન કરશો. કેમ કે તેમાં મહારાજનો સર્વોપરી ભાવ તથા શ્રી નરનારાયણ નામથી મહાત્મ્ય કહેલ છે. ત્યારે વરતાલથી ધર્મધુરંધર આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે સંતોને પૂછીને તે ૧૧ વચનામૃતો જેમ બીજાં વચનામૃતો શોધ્યાં હતાં તેમ શોધીને નાખવા ઇચ્છા જણાવી. પછી અમદાવાદથી આચાર્ય મહારાજનો બીજો પત્ર ગયો જે આમાં શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું વર્ણવેલું છે તેથી તેમાં શોધવાની જરૂર જણાતી નથી. એવો અહીં મોટા મોટા સંતોનો અભિપ્રાય છે, તેથી અમોને એ વચનામૃતમાં કાંઈ શોધવા જેવું જણાતું નથી. માટે તમો એ વચનામૃતો જેમ છે તેમ જ લખો તો ઠીક. ત્યારે વરતાલથી આચાર્યશ્રીનો જવાબ આવ્યો જે અમે તો શોધ્યા વિના જેમ છે તેમ ઠીક લાગે તો લખીએ; કેમ કે બીજાં વચનામૃતો શોધાયાં છે તેથી આ વધારાનાં શોધવાં પડે. પછી અમદાવાદથી આચાર્યજી મહારાજે જાણ્યું જે, આ વચનામૃતોમાં જે સર્વોપરીભાવ છે તથા શ્રીજીમહારાજ સર્વના કારણ છે એવું શ્રીમુખે બોલ્યા છે તેવાં વચનથી આગળ ઘણો સમાસ થશે, એમ જાણી મોકલ્યાં નહીં. તેથી તે દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃતો લખાયાં નથી એમ અમે મોટા સંતો પાસેથી સાંભળ્યું છે. એ ૧૧ વચનામૃતમાં વાતો ચમત્કારી થઈ છે, કેમ જે તેમાં શ્રીજીમહારાજ સ્વયં પુરુષોત્તમનારાયણ તેવું સ્પષ્ટ વર્ણન છે. માટે આપણા દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃત વધારે છે. તેને કેટલાક સમજ્યા વિના નવાં કહે છે, પણ એવું કહેનારા આવી વાત જાણે તથા એ વચનામૃતો વાંચે-વિચારે તો શ્રીજીમહારાજનો મહિમા વધુ સમજાય તેવું છે. ।। ૧૧૩ ।।