વાર્તા ૫૫

રાત્રે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ભાગવત ધર્મ છે તેણે કરીને ભાગવતીતનુ બંધાય છે. જેમ જળ પાવાથી ફળફૂલ વગેરે બંધાય છે તેમ. માટે એ ધર્મમાં એવી મોટપ છે. શ્રીજીમહારાજની મોટાઈ જાણીને મહિમાએ સહિત ભક્તિ કરતો જાય, તો બાકી શું રહે ! માટે દાસપણું રાખવું ને મૂર્તિનો રસ લેવો. જો હુંપણું આવી જાય તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય નહીં. જગતમાં હોલો બેસે તો કેડો ભાંગી જાય એમ કહે છે, તેમ હુંપણું એ સત્સંગનો હોલો છે. તે આવે તો જરૂર ભૂંડું કરે, માટે કોઈ જાતનું હુંપણું આવવા દેવું નહીં. જો હુંપણાની માનીનતા આવી જાય અને કોઈનો અભાવ લેવાય તો કેડો ભાંગી દે, માટે સત્સંગમાં દાસપણું રાખવું. દાસપણું રાખવામાં બહુ સુખ છે. મહારાજ કહે છે, કે વૈકુંઠ, ગોલોક આદિક ધામથી આ સભા અધિક છે. શ્રીજીમહારાજે સર્વ ધામને એકઠાં કરીને પોતાના સંત-હરિભક્તોનો મહિમા અધિક કહ્યો છે. અને સૌથી પર સુખ આપ્યું છે તે સુખ ભોગવવું; પણ દુઃખમાં દોટ ન દેવી. સાધનથી પાર આવે તેમ નથી. વૈરાગ્ય વગેરે સાધન બિચારાં શું કરે ! વૈરાગ્ય તો આ વૃક્ષને પણ છે તે સો વર્ષે પણ પાણી માગશે નહીં. કોઈ કાપશે તો બોલશે પણ નહિ, તેથી કાંઈ સિદ્ધિ નથી. શ્રીજીમહારાજે પોતાના મોટા મુક્તનો મહિમા ઘણો કહ્યો છે જે, અમારા અનાદિમુક્ત સત્સંગમાં જશે તો મનવારો ભરી ભરીને લાવશે એ શી રીતે ? તો જે તેમની નજરે પડશે, તેમની સાથે હેત રાખશે, તેમનો જોગ કરશે, તેમને હાથ જોડશે તે બધાયનું આત્યંતિક કલ્યાણ થશે. માટે કાળ-કર્મથી છૂટવાને એવા મોટાને વળગી પડવું. આ તો સર્વે દિવ્ય વસ્તુ છે. આવો જોગ મળ્યા છતાં બીજે ધોડા કરાય તે ઠીક નહીં. મહારાજ અને મોટાનો સિદ્ધાંત તો એવો છે જે, જેને અમારો જોગ થાય તેને અઠે દ્વારકા કરી દેવું અને દિવ્યભાવે સુખ લેવું. મહારાજ અને મોટા અનાદિ જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે.

પછી એમ બોલ્યા જે, હરિકૃપા જબ હોત હૈ, સૂઝત અપના દોષ.” તેમ આપણને પોતાનો દોષ માલમ પડે ત્યારે એમ જાણવું જે કાળો નાગ મરેલો પડ્યો છે; તે મરેલાનો પણ ભય રાખવો એટલે પાછું શૂરવીરપણું રાખવું. ઘાટ-સંકલ્પ જોઈને હારી જવું નહીં. મહારાજ ને મોટાને પ્રાર્થના કરવી ને મહારાજનાં વચન લોપાય નહિ તેમ વર્તવું. કોઈ વાતે નિશ્ચયમાં કસર રાખવી નહીં. મહારાજ ને મોટાનો મહિમા સમજીને એમને વિષે દિવ્યભાવે જોડાવું. મોટા અનાદિને હાથ જોડે એટલામાં ઘાટ-સંકલ્પ થતા હોય તે બળી જાય. પ્રગટ હોય કે દૃષ્ટિગોચર ન હોય તોપણ અંતર્વૃત્તિએ હાથ જોડવા, કેમ કે મહારાજ અને મોટા અનાદિ તો સર્વે જાણે છે તેથી સહાયમાં રહે. શ્રીજીમહારાજની જોડે એવા મુક્તને ધારવાથી હેત વધારે થાય છે. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજનું ધ્યાન છે, તે વિના કારણ દેહ બળે નહીં. જો આપણે ધ્યાન કરવા માંડીએ તો મહારાજ ને મોટા તુરત સહાયમાં ભળે. સત્સંગમાં હજારો-લાખો મુક્ત છે તે બધાય સહાયમાં છે. મહારાજ સત્સંગની વહારે ચડ્યા છે તેથી સંપ્રદાયની સારી સ્થિતિ રહે છે. મહારાજ અને મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. એટલું તો સમજવું જે, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહા અનાદિમુક્તોએ શ્રીજીમહારાજના સંપ્રદાયમાં નિયમની પાળ બાંધી છે માટે આપણે એ સંપ્રદાયની સેવા કરવી. અમારો તો સંકલ્પ એવો છે કે સર્વેનું મહારાજ સારું કરે. જીવને પોતાની ખોટ ઓળખાય એટલે પૂરું થયું જાણવું. અહિંસા, નિયમ-ધર્મ પાળવા, આજ્ઞા પાળવી, પણ કોઈ દુઃખાય એવો તો સંકલ્પ પણ કરવો નહીં. અમારે તો કોઈને મૂકવા નથી, ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. જગતના જીવ હાથ ઝાલે તે પણ મૂકતા નથી તો અમે કેમ મૂકીશું ? ।। ૫૫ ।।