વાર્તા ૬૩

ફાગણ વદ ૮ને રોજ સવારે નિત્ય વિધિ કરીને સંત-હરિભક્તોને મળ્યા ને બોલ્યા જે, આ મળવું બહુ મોંઘું છે. આ સભા અક્ષરધામની છે, મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે. મહારાજ મધ્યસ્થ બિરાજે છે, સૌને અમૃત નજરે જુએ છે. આપણે એ મૂર્તિના સુખનો આહાર કરવો. જીવ પંચવિષયના વલખામાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો કારણ મૂર્તિ શ્રીજીમહારાજ મળ્યા છે, તે કામ બહુ ભારે થઈ ગયું છે, એ લાભનો કેફ રાખવો. “સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે” એવા શૂરવીર થાવું. મહાપ્રભુએ દયા કરી એટલે સોંઘા થયા. મૂર્તિમાં રહેનારા મુક્ત ઓળખાણા એ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ; હવે તો “અમૃતરસ મેલી રે વિખ હું નહિ ચાખું, રસિયા તમ વિના રે વા’લું નહિ રાખું” એમ રહેવું. એમ વાત કરતા હતા ત્યાં એક હરિભક્તે આવીને સભાનાં દર્શન કર્યાં ને બાપાશ્રીને ફૂલનો હાર પહેરાવી દંડવત કર્યા. ત્યારે બાપાશ્રી કહે, રાખો ! એમ કહીને તેના મસ્તકે હાથ મૂક્યા. પછી હારને હાથમાં લઈને સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું, સ્વામી ! આ ફૂલ ખોટાં છે; માંહી સુગંધ નથી. ત્યારે સ્વામી કહે, બાપા ! આપે અંગીકાર કર્યાં એટલે સાચાં થયાં. ત્યારે બાપાશ્રી કહે, હા, એ વાત તો સાચી; આ સભા સર્વે દિવ્ય છે. આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે, તેમાં જે આવે તે દિવ્ય. વસ્ત્ર, વાહન, સેવક, સર્વે અલૌકિક, દિવ્ય. આજ તો બહુ ઉત્તમ જોગ બન્યો છે, એમ વાત કરતા હતા ત્યાં સાંવલદાસભાઈ આવ્યા ને દર્શન કરી જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રીએ રમૂજ યુક્ત સિંધી ભાષામાં પૂછ્યું જે, ‘આંઈ કિતે હુઆ ?’ (તમે ક્યાં હતા ?) ત્યારે સાંવલદાસભાઈ કહે, ‘બાપા ! શ્રીજીમહારાજજી મૂર્તિ મેં.’ તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થયા. તે વખતે ચંદનનો વાટકો લઈ પુરાણી ધર્મકિશોરદાસજી આવ્યા ને શ્લોક બોલીને બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચ્યું. ત્યારે બાપાશ્રીએ તે વાટકો લઈ બંને સદ્‌ગુરુ, પુરાણી, પાર્ષદ, આશાભાઈ, મોતીભાઈ આદિ સૌને ચર્ચવા માંડ્યું. પછી સોમચંદભાઈને આગળ બોલાવતાં કહ્યું જે, આવો ઓરા. પછી સદ્‌ગુરુ સ્વામીને કહે, જુઓ ! આ અમારા ગરીબડા સેવક. એમ કહીને સૌના ભાલે બાપાશ્રીએ પોતે ચંદન ચર્ચ્યું. પછી હાથ લૂઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ ટાણે આ સભામાં જે આવે તેનાં અહોભાગ્ય ! આ સભામાં બહુ મોટું કામ થાય છે. ક્યાં જીવ ને ક્યાં જીવન ! આ તો બહુ જબરી વાત છે. આવો આ સભાનો દિવ્યભાવ સમજાય એટલે પૂરું થઈ રહ્યું. જુઓને ! પૂજા કર્યા પછી સાત વખત મેળાપ થયો. ઊઠતાં, ના’તાં, પૂજા કરીને મળતાં, હાર પહેરાવતાં, પ્રસાદી આપતાં, સૌ સંત-હરિભક્તોને ચંદન ચર્ચતાં, ચરણસ્પર્શ કરતાં, આવો મહિમા જણાય તો કામ થઈ જાય. ચારેકોરે સંતનાં વૃંદ છે ને મહારાજ સર્વેને સન્મુખ છે. અનાદિની તો વાત જ શી કહેવી ! તેને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. એવી આ સભા તેનાં દર્શન, સ્પર્શ, પ્રસાદી, મળવું, પૂજા કરવી, વાયરો લેવો; એ જેવું બીજું કાંઈ નથી. આ સભામાં મહારાજ અખંડ બિરાજે છે. તે ભગવાન જેવા બીજા કોઈ અનંત બ્રહ્માંડમાં નથી. આ તો ન્યાલકરણ પધાર્યા છે.

પછી બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરવા લાગ્યા જે, અમારી પાસે કેટલાક પોતાના દોષની માફી માગી જાય છે. તે અમે તો તેનો દોષ માફ કરીએ છીએ પણ મહારાજનો સિદ્ધાંત એ છે જે મોટાની આગળ માફી માગીને દોષ ટળાવવા જાય અને પછી પાછા કપટ રાખીને એને એ માર્ગે ચાલે તો કૃતઘ્ની કહેવાય, માટે એમ ન કરવું અને સાચાભાવે મહિમા સમજીને માગવું. તે ઉપર વાત કરી જે, સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ આદિ અમો ભૂજમાં હતા. ત્યાં એક હરિભક્તે આવીને પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત્ત માગ્યું, તે દેહે થાય તેવું નહિ ને દ્રવ્યની સત્તા પણ નહીં. પછી અમે કહ્યું જે, આ લક્ષ્મીરામભાઈ વ્યાસગાદી જેવા કહેવાય. સ્વામી, તમે પણ એવા જ છો અને હું તો આપનો દાસ છું, તે થોડું ઘણું જાણું છું માટે કૃપા કરો ને ! એનાં પંચમહાપાપ હોય તે બળી જાય. શાસ્ત્ર તો પૂર્વે ઋષિ લખી ગયા છે, પણ તમે તો હજૂરી મુક્ત છો તે દયા કરો. પછી એના ઉપર કૃપા કરીને કહ્યું જે, આજથી તમારા ગુના માફ છે. એમ અમે મહારાજ પાસે માગીએ છીએ. મોટાની નજર તો એવી છે કે જીવને કોઈ પણ પ્રકારે ઉગારવો. કોઈ તર્કબુદ્ધિ ન કરશો. તર્ક થાય તો તેને માથે ભાર  છે. માટે સૌ નિઃસંશય રહેજો. માયા પાપરૂપ છે તે ફેરવી નાખે છે. ગોથાં ખવરાવી સંસારમાં નાખી દે એવી છે. માટે શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી. મહારાજ ને મોટાનો પ્રતાપ બહુ જબરો છે અને એ પણ જાણવું જોઈએ કે આ થડ સાચું છે. જો સત્સંગમાં દિવ્યભાવ હોય તો પાર આવી જાય. આ ટાણે જોગ સારો છે, સર્વેનું પાર કરી દીધું છે. જો મહિમા હોય તો સર્વેના નવા અવતાર થઈ ગયા છે એમ જણાય. મહારાજે અક્ષરધામની સભા કહી એવી આ સભા છે. અહીં નાના-મોટા જણાય છે પણ પરભાવમાં બધાય સરખા છે; એમ મહારાજે સમ ખાઈને કહ્યું છે.

પછી એમ બોલ્યા જે, અમારો નાનો દીકરો દર્શને આવ્યો હતો. તેની પાસે અમે સર્વે સંતને દંડવત કરાવ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તેને કહ્યું જે, તું બાપાને દંડવત કર, પણ તેણે દંડવત કર્યા નહીં. ત્યારે અમે કહ્યું કે, એ તો ઘર કી બાત હે. ભેળા રહે ને મહિમા ન હોય તો ઘર કી બાત જેવું થઈ જાય. મુદ્દો હાથ ન આવે. સત્સંગી હરિભક્ત, સંત સર્વે દિવ્ય છે. એટલું તો ખરું કે મોટાને જોગે કામ બહુ થઈ જાય છે. ઝાડની છાયા તળે બેઠા હોઈએ તેમાં બધાને કેવી શાંતિ થઈ જાય છે ? ત્યારે મોટાપુરુષની છાયામાં કાંઈ હશે કે નહીં ? ત્યારે સ્વામીએ કહ્યું જે, તડકે જઈએ તો તાપ લાગે છે તેનું કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મોટા મુક્તને સંભારી દિવ્યભાવે ભેળા રાખવા. નહિ તો વાતોના પકવાન જેવું થાય ને ભૂખ ન ભાગે. ચાલોચાલ સત્સંગથી સુખ ન આવે. અને કોઈના દોષ, અવગુણ આવે તો વેપારમાં કમાવાને ઠેકાણે ખોટ આવી જાય. ડુંગરાને પોતાની મેળે ઉથામી નાખે તો કાંઈ ન મળે પણ કોઈના કહેવાથી થોડી મજૂરી કરે તો ચાર પૈસા મળે. તેમ મહારાજ અને મોટાની આજ્ઞાથી કરે તો બહુ કામ થાય. મહારાજ અને મોટા કૃપાસાધ્ય છે. આ તો શ્રીજીમહારાજનો ચમત્કાર છે. સંતદાસજીનો દિવ્ય દેહ થયો ત્યારે શ્રીજીમહારાજ અને અનંત મુક્ત સાથે ને સાથે, એ બધોય પ્રતાપ કારણ મૂર્તિનો. મહારાજના અનાદિને હાથ જોડવા એ કાંઈ ઓછી વાત નથી. આ વાત આપણને મોટી મળી છે. આવા મોટાનો વિશ્વાસ રાખવો. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે. મોટાની સ્થિતિ બહુ જબરી છે, આ લોકના ભાવ દેખાડે છે તે પણ અનંતના સમાસને અર્થે છે. એમની સ્થિતિને સંભારે તો કામ-ક્રોધાદિક નડી શકે નહિ, કદાપિ નડતા હોય તોપણ મોટા મુક્ત તેની સહાય કરે. સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીમહારાજનો વિયોગ થાય તો રુધિર નીકળતું તોપણ મોટાએ કબૂલ કર્યું નહીં.

પછી સોમચંદભાઈએ પૂછ્યું જે, બાપા ! જીવને વ્યતિરેક મૂર્તિનો સંબંધ ક્યારે થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ તો જીવથી લઈને અક્ષર પર્યંત સર્વેને વિષે અંતર્યામીપણે એટલે અન્વય સ્વરૂપે રહ્યા છે. તે સારંગપુરના ૫મા વચનામૃતમાં કહ્યું છે, પણ જ્યારે શ્રીજીમહારાજ આ લોકને વિષે મનુષ્ય રૂપે દેખાય ત્યારે જે જીવ મોટાપુરુષનો સમાગમ કરીને શ્રીજીમહારાજને જેવા છે તેવા સર્વોપરી જાણે ત્યારે તેનું મૂળ અજ્ઞાન નાશ પામે ને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય. ત્યારે તે મુક્ત થાય. માટે વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. ।। ૬૩ ।।