વાર્તા ૫૩
સવારે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે, તે કલ્પેકલ્પ વીતી જાય તોપણ નવીન નવીન સુખ આવે જ જાય છે; મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્તનાં દર્શન થાય છે એ જ મૂર્તિનું અપારપણું છે. અપારપણું એટલે સમુદ્રમાં માછલું ફર્યા કરે પણ છેડો ન આવે, વાદળાં જમીનને અડ્યાં હોય એમ લાગે પણ છેડો નથી; એવી રીતે મૂર્તિ નાની જણાય છે પણ અપારપણું ઘણું છે. જેમ આકાશમાંથી વાદળાંના કોટ ઊતરે છે પણ તે કળાય નહિ તેમ એ મૂર્તિમાં રહેલા મુક્ત પણ ગતિમાં અકળિત છે, ચૈતન્ય મૂર્તિ છે ને પુરુષોત્તમરૂપ છે. “ચૈતન્યરૂપ છે ભૂમિ રે, મુક્તવૃંદ તેમાં રહ્યા.” એવી રીતે આ ભૂમિ પણ ચૈતન્ય છે અને જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે, કેમ જે આ સભામાં મોટા અનાદિમુક્ત બેઠા છે, જો એવા મોટા અનાદિ ન હોય તો આ સભા ગણાય નહીં. એવા મોટા મુક્તના જોગે કરોડો સુખિયા થઈ ગયા. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે.
એવા મોટા અનાદિના શબ્દ જીવમાં ઉતારે તો ભાગવતીતનુ થાય છે, તેથી આ બધું દિવ્ય દેખાય છે; પણ એવું અનુસંધાન અખંડ રહેતું નથી. કોકડા તૂટે ને સંધાય એમ જેને રહેતું હોય તેને તેલધારા કહેવાય નહિ ને એટલો દિવ્યભાવ પણ નહિ, તે છાનું નાસ્તિકપણું ગણાય. એનો ખટકો રાખે તો મોટા મુક્ત દયા કરીને મહારાજની સન્મુખ કરી દે, એટલે પૂરું થઈ જાય. જે દીન-આધીન થઈને હાથ જોડે તેમાં રાજીપો આવે છે. જેમ નાના છોકરા હાથ જોડે છે તેથી રાજીપો આવે છે તેમ. જ્યાં સુધી સત્સંગ સમજાય નહિ ત્યાં સુધી અવળા સ્વભાવ ટળતા નથી. તે ઉપર વાત કરી જે, લક્ષ્મીબાઈની ઓરમાન મા પૂતળીબાઈ હતી, તે જ્યારે લક્ષ્મીબાઈ પૂજા કરતાં ત્યારે પૂતળીબાઈ મૂર્તિને ઠેબું મારીને કહેતી કે તારા ઠાકોરજી કેવા દોડે છે ? તે જોઈને લક્ષ્મીબાઈ બહુ રોતાં. પછી પૂતળીબાઈએ જ્યારે દેહ મૂક્યો ત્યારે એ પાપે જમપુરીમાં જઈ નર્કના કુંડમાં ડબકાં ખાતી હતી. પછી મહારાજે કહ્યું જે, તારી મા નર્કમાં પડી છે તે દેખાડું ? પછી તેણે હા કહી તેથી દેખાડી. પછી લક્ષ્મીબાઈએ મહારાજ પાસે પ્રાર્થના કરી તેનું કલ્યાણ કરાવ્યું; એમ મોટા મુક્ત જીવને ઉદ્ધારે છે, વાંક-ગુનો જોતા નથી. આ સત્સંગ તો કલ્પતરુ છે, એમ જાણ્યા વિના સત્સંગી અથવા સાધુને વેશધારી સમજી બેસીએ તો કાંઈ ફળ ન મળે. આ સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે, આ સભા અક્ષરધામની છે, માટે પક્ષાપક્ષીથી અવળું ન સમજતાં સર્વે દિવ્ય છે એમ જાણવું. મહારાજે સમ ખાધા છે કે, બધાય મુક્ત છે, તેજોમય છે, તેમ હું સર્વેને દેખું છું. કોઈ કહેશે કે અમારું ગામ ભિખારી છે, ત્યારે જાણવું જે એનો ભાવ એવો છે. કેમ કે, નગરશેઠ તથા શાહુકાર પણ ગામમાં હોય પણ પોતાના ભાવ ભિખારી; તેથી એમ ભાસે છે. મહારાજ દિવ્ય છે, સત્સંગી દિવ્ય છે, એમ આ સત્સંગ તુલ્ય કોઈ નથી. રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે, આ રાજા નથી. તેમ સંતને જમાડ્યા, ધોતિયાં ઓઢાડ્યાં, સત્સંગીને રાજી કર્યા, તેનું ફળ મહારાજની પ્રસન્નતારૂપ થયું એમ જાણવું. જેમ અગ્નિમાં સરપટા નાખીએ તો અગ્નિરૂપ થઈ જાય, તેમ મહારાજ તથા મોટા મુક્તમાં આત્મબુદ્ધિ થાય તો કામ થઈ જાય. આપણે બધેય દિવ્યભાવ જોવો. લીલા બધી અલૌકિક છે, એમ જાણે તો અતિ લાભ થાય, નહિ તો પોતાને નુકસાન છે. કોઈના દેહ-સ્વભાવ જોવા નહીં. નહિ તો ઠીક ન પડે. સત્સંગમાં પહેલું પોતાનું તપાસવું. પ્રસંગે કહેવું-કથવું પડે, પણ દિવ્યભાવમાં રહીને કહેવું તો પોતે સુખિયા અને બીજા પણ સુખિયા રહે. બીજાને શિખામણ દેતાં પોતામાં રજ, તમ આદિક ગુણ લાવે તો પોતાનું બગાડે; કદાપિ કહેવું પડે તો શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. શુદ્ધ સત્ત્વગુણ દિવ્ય છે અને મલિન સત્ત્વગુણ માયિક છે. જેમ કાળા નાગની ફેણ ચંદનને વીંટાવાથી વિખ જતું રહે છે તેમ મહારાજને વિષે દિવ્યભાવે જોડાવાથી દિવ્ય થઈ જવાય છે. આપણે કેના રાજ્યમાં છીએ ? તો અક્ષરધામના પતિ પુરુષોત્તમનારાયણના રાજ્યમાં છીએ. વડોદરાના રાજ્યમાં શૂદ્ર ભિખારણ જઈ બેસે તો તેને કેટલો કેફ વર્તે; તેમ આપણને પુરુષોત્તમનારાયણ જેવા પતિ એટલે અવિનાશી વર મળ્યા એમ જાણી આનંદના સમુદ્રમાં ઝીલવું. આ વખત બહુ સારો છે. આ દિવ્ય મૂર્તિનાં દર્શને આનંદ, સ્પર્શે આનંદ, સેવાએ આનંદ, પ્રસન્નતાએ આનંદ, વાયુ ઉપર થઈને આવે તોપણ આનંદ, એમ મહારાજના સર્વે સંબંધે આનંદ, આનંદ ને આનંદ.
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. તે ઉપર વાત કરી જે, એક વખત મુક્તાનંદ સ્વામી પાસે સંત-હરિભક્ત ફરતા બેઠા હતા, ત્યારે સ્વામી વાતચીત કરતા નહોતા, કેમ કે અવસ્થાને લીધે બહુ બોલાતું નહીં. એવામાં દેવાનંદ સ્વામી પાસે થઈને નીકળ્યા; તેમને એમ સંકલ્પ થયો જે, સ્વામી તો પોઢી રહ્યા છે અને કાંઈ વાતચીત તો કરતા નથી, તોપણ હરિભક્તો શા સારુ બેસી રહ્યા હશે ? તે સમે દેવાનંદ સ્વામીને એમ જણાણું જે, એક કોરે અક્ષરધામના મુક્તની સભા ભરાઈને બેઠી છે અને એક કોરે ભરતખંડમાં રહ્યા જે મુક્ત તેની સભા ભરાઈને બેઠી છે. એવું મહારાજની ઇચ્છાથી જણાણું. તેથી દેવાનંદ સ્વામીને એમ થયું જે, અહોહો ! આવા મોટા અનાદિ બેઠા હોય ત્યાં મહારાજ તથા અનંત મુક્ત બિરાજે છે. ભગવાન વિના આવા મુક્ત ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. માટે મોટા વાત કરે અગર ન કરે તોપણ તેની છાયામાં અપાર સુખ રહ્યું છે. તે મોટા કેવા છે ? તો મહા અનાદિમુક્ત છે. મહારાજના મહિમારૂપી જે રસ તેનું પાન કરાવે છે ને કારણ સ્વરૂપની દૃઢતા કરાવે છે ને મૂર્તિના સુખનું અપારપણું સમજાવે છે. જીવ જેમ જેમ સમાગમ-સેવા કરતો જાય, મોટા અનાદિને વિષે દિવ્યભાવ લાવતો જાય, તેમ તેમ પાત્ર પણ થતો જાય. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે. એમ વાત કરીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દીધો. ।। ૫૩ ।।