વાર્તા ૮૧

ફાગણ વદ ૧૧ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, આ સભા અક્ષરધામની છે. આ સભાને જે સંભારે તેને જન્મમરણ ન રહે. સંતો ! હરિભક્તો ! જુઓ આવી સભા બીજે ક્યાંય છે ? આ સભામાં તો અક્ષરધામના ધામી બિરાજે છે. માટે આ સભા સંભારજો. આપણને લાભ બહુ મળ્યો છે. ક્યાં પુરુષોત્તમનારાયણ ને ક્યાં જીવ ! આ તો બહુ ભારે વાત મળી છે. બહારદૃષ્ટિ હોય તેને આવી વાત ન સમજાય. કેટલાક કહે છે કે, સત્સંગમાં ફીટાડો છે, પણ જેને એક મહારાજના સુખે સુખ છે તેને ક્યાં ફીટાડો હતો ! તેને તો એક મહારાજ જ જીવન છે. તે તો મૂર્તિના રોમ રોમનાં સુખ ભોગવે છે, ક્યારેય તૃપ્ત થતા નથી. બહાર કાંઈ જોતાં જ નથી. મહારાજની મૂર્તિ અને મહામુક્ત એ બે સામું જોઈએ એટલે બીજું બધું દુઃખ મટી જાય. દુઃખ મટવાનું એ એક જ સાધન છે. મહારાજ તો આ સમે સત્સંગમાં પ્રગટ બિરાજે છે. જેને જેવું જોઈશે તેવું લેશે. આપણે તો એક મહારાજને રાખવા. તેમની મરજી વિના આ લોકમાં કાળ, કર્મ કે માયા બાપડાં શું કરે એવાં છે. એનો શો ભાર છે કે ભગવાનના ભક્ત પાસે આવી શકે. આપણે તો અખંડ એકતાર મહારાજમાં જોડાઈ જાવું. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, હરે મહારાજ ! સ્વામિનારાયણ ! એમ ધૂન કરવી, શ્વાસોશ્વાસ તેમને સંભારવા એટલે બધુંય દુઃખ ગયું. સત્સંગમાં મહારાજ તથા મોટાના પ્રતાપે સંત-હરિભક્ત સૌ સુખિયા છે. તમારે પણ સુખિયા રહેવું હોય તો મહારાજ તથા મોટાને આગળ રાખજો. શ્રીજીમહારાજ આ સમે મુક્ત દ્વારે બધી ક્રિયા કરે છે એવું જેને જણાણું હોય તેને તો બધી ક્રિયા દિવ્ય લાગે.

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! આ સમે અક્ષરધામમાં મહારાજનું દર્શન કેવું થતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે આ રહ્યા, ક્યાંય હશે એમ નથી. અનંત મુક્ત એ મૂર્તિમાં રહીને સુખ ભોગવે છે. અનંત સન્મુખ રહી સુખ ભોગવે છે. અપરિમ્‌ અપરિમ્‌ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે. અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્યાર્થી , અનંત માયિક જીવ તે સર્વેમાં જ્યાં જ્યાં સુખ છે તે મહારાજનો જેટલો સંબંધ તેટલું છે. જેટલું સમીપે સુખ તેટલું છેટે ક્યાંથી હોય ? સર્વથી પર અક્ષરધામ, તેમાં તો અતિ અપાર સુખ શ્રીજીમહારાજની મૂર્તિનું છે. મુક્ત તેજોમય, ધામ તેજનો જ અંબાર, સર્વ દિવ્ય સમાજ, દિવ્ય સુખ, દિવ્ય વર્ણન, “અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય.” એવા દિવ્ય ધામમાં મહાપ્રભુ બિરાજે છે. તે મૂર્તિમાં મુક્ત રસબસ રહ્યા છે. એ મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી. માટે જે જે વચન આવે તે ઠેઠ મૂર્તિમાં લગાડવાં. એ મૂર્તિ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે. જેને દિવ્યભાવ થાય તે દેખે. શ્રીજીમહારાજ આ સભામાં અખંડ બિરાજે છે, પૂજા સ્વીકારે છે. મંદ મંદ હસે છે, મંદ સુગંધવાયુ વાય છે; આ સર્વે અહીં જ છે. સ્થાવર-જંગમ સર્વે ઠેકાણે મહારાજ દેખાય એ સ્થિતિ, અને એ વિના કાંઈ ન દેખાય તે પ્રાપ્તિ. ક્યાં મહારાજ ને ક્યાં આવા મુક્ત ! આ તો કેવળ શ્રીજીમહારાજની દયા છે. એમ કહીને બોલ્યા જે, કેમ સ્વામી ! આમ હશે કે નહીં ? ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, હા બાપા ! એમ જ છે. પછી હરિભાઈએ પ્રાર્થના કરી કે, સ્વામી ! બાપાશ્રીને તેડીને અમારે ત્યાં પધારવા દયા કરો, તે વખતે બાપાશ્રી કહે, તમારાં ઘર ક્યાં છે ? ત્યારે સ્વામી કહે, આ રહ્યાં મંદિરની જગ્યામાં. ત્યારે બાપાશ્રી કહે, ચાલો, પછી સંત-હરિભક્તોએ સહિત તેમને ઘેર પધાર્યા. ત્યાં હરિભાઈએ સૌને ચંદન ચર્ચી , હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડ્યાં, તે સમે બાપાશ્રીએ હરિભાઈને કહ્યું કે, તમે જૂના સત્સંગી છો કે નવા ? ત્યારે હરિભાઈ કહે, બાપા ! આપ કહો તેવા. ત્યારે બાપાશ્રીએ કહ્યું, અમે તો કચ્છમાં રહીએ તે અમને તો તમે કહો તો ખબર પડે, એમ રમૂજ કરી. ત્યારે હરિભાઈ કહે, બાપા ! આપ તો સમર્થ છો, અંતર્યામી છો. તમે ન જાણો તેવું કાંઈ નથી, તમને લઈને તો આ સત્સંગ ફૂલી રહ્યો છે. નિત્ય સમૈયા થાય છે. ત્યારે બાપાશ્રી કહે, હરિભાઈ ! આવા સંતે આપણને દર્શન આપ્યાં તે સંત ભેગા શ્રીજીમહારાજ અખંડ હોય. મહારાજ સૌને સુખ આપે છે. તમે, અમે ને આ સંત સર્વે શ્રીજીમહારાજના સુખે સુખિયા છીએ. આ સહુ દોડ્યા આવે છે તે એમને બીજું કાંઈ ખપતું નથી, એક મહારાજ ખપે છે; તે અમે આપીએ છીએ, કેમ કે અમારે મૂર્તિનો જ વેપાર છે. જો અમને સાચો થઈને કોઈ મન સોંપે તેને તો અમે અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દઈએ. આ સમે કોઈને કેડે રહેવા દેવા નથી. મહારાજ કહે છે કે, અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે. તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. કારણ મૂર્તિનું એ જ કામ છે. મહારાજ સત્સંગમાં સદાય પ્રત્યક્ષ દર્શન દે છે. અણસમજણવાળાને એવું ન દેખાય તેથી બિચારા દુખિયા મટે નહીં. આપણે તો સર્વેનું સારું જ કરવું છે. તમે તો જૂના સેવક છો એમ કહી પ્રસન્નતા જણાવી. એ સમે સંતો “આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ” એ કીર્તન બોલ્યા. પછી મંદિરમાં આવતા માર્ગમાં હરિભક્તોના ઘેર પ્રાર્થના થવાથી સંતો મંદિરમાં ગયા ને બાપાશ્રી તે સર્વેને દર્શન દઈ થોડી વારે મંદિરમાં પધાર્યા. ત્યાં બે કણબી પાણાની ખાણેથી દર્શન કરવા આવેલ, તેમને સમાચાર પૂછ્યા. પછી તેમના પર પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, સત્સંગમાં સર્વે ભગવાન ભજે છે. તેમાં કણબી સત્સંગી છે તેની એક જ વૃત્તિ અને બિચારા વિશ્વાસી બહુ ને વેપારી તથા બીજાઓની વૃત્તિ ડોળાયેલી હોય પણ તે ઠીક અને બ્રાહ્મણને સૂઝે તેમ પણ કાંઈક પોતાપણું રહેતું હશે ખરું, એમ અમને તો જણાય છે.

પછી માસ્તર પ્રભાશંકરભાઈએ પૂછ્યું જે, બાપા ! કારણ શરીર તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માયિક પદાર્થની વાસના તેને કારણ શરીર જાણવું. એ કારણ શરીર વજ્રસાર જેવું છે, તે શ્રીજીમહારાજના ધ્યાને કરીને ટળે છે. અને નાના પ્રકારનાં ઐશ્વર્યના રાગ તેને મહાકારણ કહેવાય. તે મહાકારણ, શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને તે મૂર્તિમાં આપોપું થાય ત્યારે ટળે છે. પછી એમ બોલ્યા જે, આજે સત્સંગમાં મોટા મુક્ત છે તેમાં કોઈક નિરંતર કથા-વાર્તા કરીને સુખ આપે એવા હોય અને કોઈક દર્શનમાત્રે સુખ આપે એવા હોય. તે સર્વે શ્રીજીમહારાજને રાજી કરવા કરે છે એમ જાણવું.

પછી શિવજીભાઈએ પૂછ્યું જે, બાપા ! આપ વાતોમાં બહુધા મહારાજનું વર્ણન કરો છો તેમાં મહારાજનાં બીજાં નામ કરતાં ‘શ્રીજીમહારાજ’ એ શબ્દ વધારે આવે છે તેનું શું કારણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ નામ બહુ રમણીય છે, માટે વધારે વપરાય છે. પછી વાત કરી જે, જેને અંતરદૃષ્ટિ હોય તે તો મહારાજની મૂર્તિને વિષે દિવ્યભાવે જોડાઈ જાય તે નિષ્કામ કહેવાય. તેને મૂર્તિ  વિના બીજું કાંઈ ખપે જ નહીં. અને બહારદૃષ્ટિવાળો સકામ કહેવાય. તેને મહારાજ તેડવા આવશે કે રથ વિમાન લાવશે, એમ વાટ જોવી પડે. ।। ૮૧ ।।