વાર્તા ૫૭

ફાગણ વદ ૭ને રોજ સવારે નિત્ય વિધિ કરીને બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને સંતોને કહ્યું કે, આ અમારા વિશ્વાસી. જેમ કહો તેમ હા બાપા ! વચનમાં વિચાર કે તર્ક નહીં. મહારાજ આવા વિશ્વાસીને વશ થઈ જાય છે, આ ટાણે સંત પણ એવા આવ્યા છે તે ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે. કેમ લાલુભાઈ ! ત્યારે લાલુભાઈ કહે, બાપા ! આપ કહો છો એવા જ સંત છે. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સદ્‌ગુરુ, આ પુરાણી તથા આ સંત રાત ને દિવસ મહારાજને રાજી કરવામાં તત્પર રહે છે. અનેક જીવને અભયદાન આપી મૂર્તિના સુખમાં મૂકી દે છે, નિત્ય નવા બ્રહ્મયજ્ઞ કરે છે. અમૃતના મેહ વરસાવે છે, કંઈકને ન્યાલ કરે છે. એમનો દિવ્યભાવ આવે તો કાંઈનું કાંઈ કામ થઈ જાય. આત્યંતિક મુક્તિ આજ આવા સંતના પ્રતાપે સુગમ છે. મહારાજ કહે છે કે, તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત જ જુદી છે, એવા આ સંત છે. પણ દેહાભિમાની જીવ આવી વાત ન સમજી શકે. શ્રીજીમહારાજને રાજી કરવા જેણે સત્સંગ કર્યો છે, તેને તો આવા મોટા સંત ને આવા અનાદિ જેવા છે તેવા ઓળખાય. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. વિચારી જુઓ તો ખબર પડે જે, આવા ધન-સ્ત્રીના ત્યાગી સંત કોઈ બ્રહ્માંડમાં નથી. માટે સર્વેને દિવ્ય સમજવા જેથી કોઈનો અપરાધ થાય નહીં. શુભ વાતોનું મનન કરવું પણ નબળી વાતોનું મનન કરવું નહીં. મોટા અનાદિની છાયામાં ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય છે એવો મહિમા ન હોય તો ઠાકોરજી પાસે પણ વઢવેડ કરે અને કોઈ શિખામણ દેતાં પોતાને ગુણ આવી જાય, તો મહારાજને ભૂલી જવાય. શ્રીજીમહારાજને સાથે રાખીને જે કાંઈ થાય તે ખરું. પર્વતભાઈના ગામની ભાગોળે માતરો ધાંધલ ગયા; ત્યાં અંતઃકરણમાં સત્ત્વગુણ વરતાયો.

ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, બાપા ! માતરા ધાંધલને સત્ત્વગુણ વરતાયો તે શું ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, માતરા ધાંધલનો બાપ ધીંગાણામાં મરાણો હતો. પછી તેને લોકો મેણાં દેતાં કે, તું મોટી મોટી વાતો કરે છે પણ તારા બાપનું વેર તો લઈ શકતો નથી ! એમ લોકોનાં મેણાંથી તેને મનમાં બહુ ખેદ રહેતો. પણ મહારાજનાં દર્શન કરવા જાય ત્યારે મહારાજ તેના અંતરનું જાણીને વાત કરે તેથી એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે તેના ભાઈબંધ જે શૂરવીર હતા તે કહેતા કે, માતરા ! મોટી મોટી મૂછો રાખીને ફરે છે પણ જીવતર શું જીવે છે ? તારા બાપને બહારવટિયાએ મારી નાખ્યો તે ભેળો તને ઝટકાવી નાખ્યો હોત તો અમને દાઝ ન થાત. હવે તો તું તારા બાપ વાંસે મર કાં તો તારા બાપને મારનારનું માથું ઉતાર. અમને લાજ આવે છે પણ તને કેમ કાંઈ થતું નથી ? તને ખાવું કેમ ભાવે છે ? સાચો શૂરવીર હો, તો મરીને પાળિયો થા, કાં જીવીને જશ લે. અમને તો બહુ શરમ આવે છે. એમ કહે ત્યારે પાછું ચાનક ચડી જતું. પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈ વેર લેવા જવાનું નક્કી કર્યું. હવે માતરા ધાંધલને એમ થયું જે, મરવું કાં મારવું, પણ ગઢડે મહારાજનાં દર્શન કરીને જવું એટલે મરીએ તોય ફિકર નહીં. આમ વિચાર કરી તૈયાર થઈ ગઢપુર ગયા. ત્યાં મહારાજનાં દર્શન કરી દંડવત કર્યા. ત્યારે મહારાજે અજાણ્યા થઈને કહ્યું કે, માતરા ધાંધલ ! આ ફેરે તો સંઘ લઈને દર્શને આવ્યા ? ત્યારે તેણે પોતાની વાત વિસ્તારીને કરી. શ્રીજીમહારાજે તેનો અતિ વેગ જોઈને કહ્યું જે, ભલે જાઓ, પણ પહેલાં અગત્રાઈ જજો. ત્યાં અમારા મોટા મુક્ત પર્વતભાઈ છે તેમનાં દર્શન કરીને જશો તો તમારી જીત થશે ને દર્શન વિના જશો તો પરાભવને પામશો. એવું સાંભળી માતરો ધાંધલ મનમાં રાજી થયા ને જાણ્યું જે પર્વતભાઈનાં દર્શન કરી જઈશું તો તેમાં બે લાભ છે. એક તો મોટા મુક્તનાં દર્શન થશે અને બાપાનું વેર પણ લેવાશે. એમ વિચાર કરી ભાઈબંધોને સાથે લઈ ત્યાંથી ચાલ્યા, તે વાટમાં ટીમણ કરતાં કરતાં ત્રણ-ચાર દિવસે સવારે અંધારામાં અગત્રાઈ પહોંચ્યા. ત્યાં સૌએ ગામ બહાર ઉતારો કર્યો. માતરો ધાંધલ કહે, આપણે ત્રણ દિવસ થયા ટીમણ કરીએ છીએ; તેથી આજ આપણે રસોઈ કરી જમવાનું કરીએ. હું ગામમાં પર્વતભાઈનું ઘર ગોતી, તેમને મળી, સીધું-સામાન લઈ આવું, એમ કહી તે ચાલ્યા. ત્યાં ગામની ભાગોળે જ પર્વતભાઈ સામા મળ્યા તે હાથમાં લોટો, અડધું ધોતિયું પહેરેલ, અડધું ઓઢેલ એવા જંગલ જવા નીકળ્યા હતા તેમને પૂછ્યું કે, આ ગામમાં પર્વતભાઈ રહે છે તેમનું ઘર ક્યાં હશે ? ત્યારે કહ્યું કે, હું જ પર્વતભાઈ છું, તમારે શું કામ છે ? તરત જ માતરો ધાંધલ દંડવત કરી મળ્યા અને કહ્યું જે, હું અહીં ઊભો છું; તમો બહાર જઈ આવો; મારે તમારી સાથે વાત કરવી છે. પછી પર્વતભાઈ બહાર જઈ આવ્યા એટલે સાથે સાથે ઘેર ગયા ને પર્વતભાઈએ નાહી, પૂજા કરી ત્યાં સુધી બેઠા. પછી બધી વાત કરી જે, અમે આ કામે જઈએ છીએ. મહારાજે તમારાં દર્શન કરી જવાનું કહ્યું છે. પર્વતભાઈ તો મહારાજની મરજી સદાય જાણતા; તેથી માતરા ધાંધલને પોતાની પાસે મોકલવાનું કારણ એમનું અજાણ્યું ન હતું. તેથી કહ્યું જે, તમે ઠીક કર્યું. ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ. પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય. આ જીવને ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેમાં અનેક બાપ થયા છે. તેમાં કોઈ મોતે મર્યા હોય અને કોઈ કમોતે મૂઆ હોય. એ બધાયનું વેર લેવાય તો વેર વળે. એમ કહી મહારાજના ઐશ્વર્ય-પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી, તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા. પણ મોડું બહુ થયું તેથી સાથે આવેલા માણસો પર્વતભાઈનું ઘર પૂછતાં પૂછતાં ત્યાં આવી વઢવા લાગ્યા કે અમે ભૂખ્યા ને ભૂખ્યા તારી વાટ જોઈ જોઈને થાકી ગયા અને તું તો અહીં જ બેસી રહ્યો. તે ધાર્યું છે શું ? પછી તેને સીધું-સામાન લઈ જમાડ્યા ને કહ્યું કે, હવે મારે મારા બાપનું વેર લેવા જવું નથી. એમ સમજાવી સૌને પાછા જવા કહ્યું. ત્યારે તેના ભાઈબંધ કહેવા લાગ્યા જે, અરે ફોશી ! અહીં આવીને ફસકી ગયો. અમે ગામમાં જઈને લોકોને મોઢું શું દેખાડશું ? એમ ઘણાં તિરસ્કારનાં અને ચાનક ચડાવવાનાં વચન કહ્યાં, પણ પર્વતભાઈનાં દર્શન, સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્‌વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. પછી તેના ભાઈબંધ ખિજાઈને દાઝે બળતાં, જેમ-તેમ બોલતાં બોલતાં ચાલ્યા ગયા. પછી માતરા ધાંધલે બે મહિના સુધી પર્વતભાઈનો જોગ-સમાગમ કર્યો ને બહુ રાજી થયા ને મહારાજે દર્શન કરી જવાથી જીત થશે એમ કહેલું તે વાત સમજાણી. પછી ગઢપુર આવી મહારાજનાં દર્શન કર્યાર્ં. ત્યારે મહારાજે કહ્યું કે, આવો માતરા ધાંધલ ! તમારા બાપનું વેર લઈ આવ્યા ? ત્યારે તેણે પર્વતભાઈના પ્રતાપની અને મોટપની વાતો કરી જેથી મહારાજ રાજી થઈને બોલ્યા કે, જોયું ! અમારું હથિયાર કેવું ? પર્વતભાઈ તો અમારા અનાદિમુક્ત છે ને તે તો અમારું હથિયાર છે. એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે. એક વખત ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જામફળી નીચે પોઢેલા હતા. ત્યાં ઝાડ ઉપરથી જામફળ પડ્યું, તે સુધારી ઠાકોરજીને જમાડી એક ચીર હરિભક્તને આપી, તે પ્રસાદી જમતાં તે ભક્તને અલૌકિક દિવ્યભાવ આવ્યો. ત્યારે તે ભક્ત એમ બોલ્યા જે, આ તો ભગવાન છે. ત્યારે સંતોએ કહ્યું જે, આ તો આચાર્યજી મહારાજ છે. એમ મોટાને દર્શને તથા પ્રસાદી જમવે કરીને એવો દિવ્યભાવ આવે છે. કમળના ફૂલને જેમ પાણીનો પાસ અડે નહિ તેમ ઉત્તમ પુરુષને વ્યવહાર અડે નહીં. તે ઉપર ભોજા ભક્તની વાત કરી. પછી એમ બોલ્યા જે, મલિન અંતઃકરણ હોય તો ભૂત, પ્રેત, પંચવિષય વિગેરે બધાંય નડે, સ્વામિનારાયણ પધરાવી દીધા હોય તો એ કોઈ આવે જ નહિ; પંચભૂતનો જે દેહ તો બ્રહ્મરાક્ષસ છે. તે કાંઈ ને કાંઈ માગ્યા જ કરે છે. મરચાં માગે, ગૉળ માગે, ધાણાજીરું માગે એવા સ્વાદ માગે પણ તેને આપણે નવરો મેલવો નહીં. જો ભગવાનમાં જોડી દઈએ તો એ કામ કરી આપે માટે તે ભૂતને વશ કરવું. આ ટાણે સત્સંગમાં એ બધો વખત છે, જોગ છે અને આવા સંત સમજાવનારા છે પણ જીવ મોટાને ઓળખે નહિ અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહિ, માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજ કહે છે કે, મરેલાને પહોંચીએ, પણ જીવતાને ન પહોંચાય. જેમ કોઈકને ભૂત વળગ્યું હોય અને વળી પાછો બાધા રાખે, વળી કામણ-ટૂમણ કરે એને કેમ પહોંચાય ! એ કરતાં તો વાસનિકને એક સંકલ્પમાત્રે દુઃખમાંથી છોડાવી દઈએ. જેમ હાથીને મા’વત કબજામાં રાખે છે, તેમ આ દેહરૂપ ભૂતને કબજામાં રાખવું. કોઈ ખરેખરો ગોળી ભરીને ઊભો રહે તો પચાસ માણસ સામા આવ્યા હોય તોપણ ભાગી જાય. માટે ગોળી ખરેખરી ભરવી. ખાલી બંદૂક લઈને ઊભા ન રહેવું. મંદવાડ હોય અને માથામાં લોઢાના ગોળા મારે એથી કાંઈ દુઃખ ઓછું થાય ? ન જ થાય. માટે અવળા ઉપાય ન કરવા. મહારાજ અને મોટાના આશરે સુખિયા રહેવું પણ જાણીને દુઃખમાં પગ ઘાલવો નહીં. આવો જોગ છે તોપણ જીવ બહુ દુઃખિયા છે. કેટલાક તો એમ કહે છે કે, મારે કોઈ નથી તેનું શું કરવું ? માળામાં જેમ દોરો સળંગ છે તેમ માન, અપમાન, જાગ્રત, સ્વપ્ન વગેરેમાં મૂર્તિ મુખ્ય રાખવી. પ્રથમ મોટા મોટા સંતનાં કરડાં વર્તમાન કેવાં હતા ? ઠરાવ એવો રાખવો. વાછરડું કૂદકા મારતું જાય તો પગ ભાંગી જાય, માટે મહારાજની આજ્ઞા પાળવામાં યુક્તિ ન કરવી. મોટા મુક્ત તો બહારનો વ્યવહાર બધો કરે, પણ મૂર્તિને તો જાળવે અને બીજાને પણ એ મૂર્તિનું સુખ આપે. પણ જીવમાં મંદવાડ છે તેથી એ સમજાતું નથી. મંદવાડમાં લાડુ હોય તે ઝેર જેવા લાગે અને ભજિયાં-ફાફડા ને વડાં ભાવે. પણ જો સાજો હોય તો માલપૂઆ, લાડવા ને શીરો જમે ને પાંચ મણનો પથ્થર પણ ઉપાડે. શીરો ખાવા માંડે તો રોગીને ન ફાવે. તેમ પરભાવની વાતો મહારાજ અને મોટાનો મહિમા ન સમજ્યા હોય તેને ન ગમે. દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં પડવું; તેમ શાસ્ત્ર છે, તે સમુદ્ર છે માટે મહારાજની મૂર્તિરૂપી દોરડું છોડવું નહીં. ।। ૫૭ ।।