વાર્તા ૯૫
બપોરે મેડા ઉપર બાપાશ્રીએ વાત કરી જે, જેમ મહારાજ દિવ્ય તેજોમય છે, તેમ મહારાજના મુક્ત પણ દિવ્ય તેજોમય છે. એવી સમજણ રાખવી જે, એ મનુષ્ય જેવા દેખાતા હોય તોય દિવ્ય છે. જીવને મોટું સુખ પામવું છે, પણ મોટાની સમજણ ગ્રહણ કરતા નથી. તે જો મોટાની સમજણ ગ્રહણ કરે તો એ દિવ્ય સુખ મળે. જુઓને ! લોકમાં મોટું થવાનું જીવને કેવું તાન છે ? કેટલેક ઠેકાણે એવી રીત હોય છે કે, જ્યારે વેપારી ચોપડા લખે ત્યારે ગમે ત્યાંથી મંગાવીને સાકરકોળું ખાય છે, તે સાકરકોળાંનું શાક ખાય તો ગરાસવાળા થવાય, એમ જાણીને ખાય છે. તે ગરાસવાળા થવામાં દુઃખ બહુ છે, પણ કાંઈ સુખ થાય તેમ નથી; તોપણ એવું થવાની ઇચ્છા રાખે છે, એવા જીવના સ્વભાવ છે. પણ જેમાં સદાય અપાર મહાસુખ રહ્યું છે એવા જે સર્વોપરી શ્રીજીમહારાજ તેમને પામવાને માટે જીવ આગ્રહ કરતા નથી, એવું જીવમાં અજ્ઞાન છે એમ વાત કરતા હતા. ત્યાં લાલજીભાઈ આવીને દંડવત કરવા મંડ્યા, પણ બાપાશ્રીની દૃષ્ટિ સભા સામી હતી, એટલે વલ્લભદાસભાઈએ કહ્યું કે, બાપા, આ લાલજીભાઈ આપને દંડવત કરે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો દંડવત મહારાજને કરે છે. આપણે પોતાને માથે શીદ લઈએ ? જે જે થાય તે સર્વે મહારાજની મૂર્તિને વળગાડી દઈએ. શ્રીજીમહારાજને આગળ રાખીએ અને પોતે પાછળ રહીએ તો બાધ ન આવે. કોઈ પૂજા-પ્રતિષ્ઠા કરે કે માન-સત્કાર મળે એ સર્વે શ્રીજીમહારાજને જ થાય છે. આ આપણે વિષે તો કાંઈ ગુણ નથી. એમ સર્વે વાતમાં મહારાજને જ આગળ રાખવા. બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે ક્રિયા મહારાજની સ્મૃતિએ સહિત કરવી. જોવું તે પણ મૂર્તિની સ્મૃતિએ સહિત જોવું. એમ સર્વે ક્રિયાઓ મહારાજની મૂર્તિને લઈને કરવી, પણ મૂર્તિને મૂકીને કાંઈ પણ કરવું નહીં. અને પોતાને વિષે કોઈ રૂડા ગુણ બતાવે અથવા પોતાને રૂડા ગુણ ભાસે એ સર્વે મહારાજને લઈને છે, માટે મૂર્તિને વિષે સર્વ વળગાડવું, પણ લગારે પોતાપણું આવવા દેવું નહિ, એવી નિરંતર સૂરત રાખવી. તો મહારાજને વિષે દાસપણું દૃઢ થાય છે. આપણે મહારાજને અને મોટા મુક્તને દર્શને ગયા. પછી પાંચ દિવસ રહીને ઘેર જઈએ ત્યારે એમ રહે જે આટલા દિવસ આપણે મહારાજ તથા મોટા ભેગા રહ્યા અને ત્યાંથી જુદા પડીને પાછા આપણે ઘેર આવ્યા, તે સમજણ સારી ન કહેવાય. હરિભક્તોએ એવી સમજણ ન રાખવી; ને એમ સમજવું જે, મહારાજ અને મોટા સદાય આપણી ભેળા જ છે. તે જરા વાર પણ જુદા પડતા નથી. એમ જાણીને મહારાજનો અને મોટા મુક્તનો અંતરદૃષ્ટિ કરીને નિરંતર જોગ કર્યા કરવો. તે જોગ તે શું ? તો તેમને સંભારવા, તેમના સામું જોઈ રહેવું, તેમના વચનનો વિચાર કરવો, એ આદિ કરવું. અંતરદૃષ્ટિ કર્યા વિના સમીપપણું રહેતું નથી, પોતાના દોષ ઓળખાતા નથી અને ભગવાનના ભક્તનો મહિમા પણ જણાતો નથી. અંતરદૃષ્ટિથી તે સર્વેનું સમીપપણું થાય છે. માટે અંતરદૃષ્ટિ ભગવાનના ભક્તની છે અને બહારદૃષ્ટિ અભક્તની છે ને દ્રોહદૃષ્ટિ તે તો અસુરની કહી છે; માટે નિરંતર અંતરદૃષ્ટિ રાખવી. જેને મહારાજનો અને મોટા મુક્તનો વિશ્વાસ આવ્યો હોય તેને સર્વે વાતે સવળું પડતું જાય છે, પણ અવળું તો પડે જ નહીં. તે સુખ-દુઃખમાં, હાણ-વૃદ્ધિમાં, વાતચીતમાં, કોઈના કહેવા-સાંભળવામાં એ સર્વેમાં સવળું ને સવળું જ પડતું જાય છે. તેથી મોટા મુક્ત અને મહારાજનો વધારે ને વધારે વિશ્વાસ આવતો જાય છે. તથા વધારે ને વધારે હેત થતું જાય છે તેથી એને મહારાજની મૂર્તિમાં વધારે ચોંટાતું જવાય છે. જેણે મહારાજને અને મોટા મુક્તને અંતર્યામી જાણ્યા હોય તેનાથી સર્વ આજ્ઞાઓ પળે; તેમની સદાય બીક રહે તેથી ખોટા સંકલ્પ પણ ન થાય, અને એમ નિરંતર રહ્યા કરે જે, હું જે જે કરું છું તે સર્વેને મહારાજ તથા મોટા મુક્ત નિરંતર જાણે છે. મહારાજ અને મોટા મુક્ત તો સદા ભેળા ને ભેળા જ છે અને તે સર્વે જુએ છે માટે હું જરાય પણ આજ્ઞા વિરુદ્ધ વર્તન કરીશ તો એમનો મારા પર અતિશે કુરાજીપો થશે તો મારું બગડી જશે, એમ રહ્યા કરે, તેથી તે ફડકમાં કાંઈ પણ ભૂંડો ઘાટ કરી શકે નહીં. તો બીજું તો શું કરે ? નાસ્તિકભાવ પણ ત્યારે જ ટળ્યો કહેવાય. પછી બોલ્યા જે, આપણે પોતાની સરસાઈ કરવા સારુ કોઈની સાથે બગાડવું નહિ ને કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવું. સર્વે સાથે હળીમળીને રહેવું. કેમ કે, ક્લેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે, માટે કોઈ સાથે વિરોધ કરવો નહીં. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય, તેનું આપણે સત્સંગીને કામ નહીં. માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખવો ને નમીને સર્વે થી ચાલવું. મહારાજને અખંડ સંભાર્યા કરવા અને સંગ કરવો તેમાં પણ ભેદ છે. સંગ તો ઉત્તમ પુરુષનો જ કરવો. મોટા મુક્ત સાથે જુદાપણું ન રાખવું. કેટલાક તો ઉપર ઉપરથી મળતું રાખે ને પાસે આવે, જાય, બેસે, ઊઠે, વાતો સાંભળે, પૂછે પણ અંતરમાં જુદાપણું હોય; એ પણ સંગ કર્યો કહેવાય. અને એક તો મન, કર્મ, વચને શુદ્ધભાવે, નિષ્કામપણે, ગરજુ થઈને સંગ કરે તે પણ સંગ કર્યો કહેવાય. માટે જેને ભગવાનને રાજી કરવા હોય અને પોતાનું પૂરું કરી લેવું હોય તેને તો નિષ્કપટભાવે મન, કર્મ, વચને દાસાનુદાસ થઈને સંગ કરવો તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત રાજી થાય છે. અને તે સંગ કરનારો પણ મોટાને જોગે કરીને મોટા સુખને તથા મહામોટા આનંદને પામે છે, તેથી અખંડ આનંદ તથા અખંડ સુખમાં રહ્યો થકો મહારાજની અખંડ સેવામાં રહે છે. જેમ નાના છોકરાને કાંઈક ભય આવે તો દોડીને બાપના પગમાં પેસી જાય છે એમ આપણે પણ માયાના ગુણ કાંઈ વ્યાપે તો ચેતી જવું ને તરત મોટા મુક્તને વળગી પડવું એટલે જેમ છોકરાને તેના માવતરના આશ્રયથી ભયની નિવૃત્તિ થઈ જાય છે. તેમ આપણે પણ મોટાના આશ્રયથી માયાના ભયની નિવૃત્તિ થઈ જાય છે, તેથી માયાના ગુણ એકેય ટકી શકતા નથી એટલે કોઈ દુઃખ દઈ શકતા નથી. ।। ૯૫ ।।